Saturday, April 25, 2009

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી;
નજરમાં હોય છે મસ્તી તે મદિરામાં નથી હોતી.

મજા ક્યારેક એવી હોય છે જે એક ‘ના’ માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’ માં નથી હોતી.

જઇને તૂર ઉપર એમણે સાબિત કરી દીધું,
કે આદમ જેટલી હિંમત ફરિસ્તામાં નથી હોતી.

મોહબ્બત થાય છે પણ થઇ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

ગઝલ એવીય વાંચી છે અમે ‘લીલા’ની આંખોમાં,
અલૌકિક-રંગમય જે કોઇ ભાષામાં નથી હોતી.

અનુભવ એ ય ‘આસિમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

No comments:

Post a Comment